GUJARAT

મૂડીરોકાણ અને રોજગારી સંબંધી જાહેરાતોનું સુરસુરિયું : ૬૦ એકરના આઇ.ટી.ઝોન સહિત ૧૫૦ એકર જમીન ફાળવાઇ હતી

ગાંધીનગરમાં આઇસીઆઇસીઆઇના ૩૬ માળના રાજ્યના સૌથી ઊંચા ટાવર અને જીઆઇડીસી, ડીએલએફ, સત્યમ, ટીસીએસ જેવી કંપનીઓના આઇ.ટી. સેઝ બનવાના હતા. ૬૦ એકરના આઇ.ટી.ઝોન સહિત ૧૫૦ એકર જમીન ફાળવાઇ હતી. તેમાં હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ તથા શહેરમાં મેગામોલ બનવાના હતા. પરંતુ ઉદ્યોગકારોને જાણે મફતના મૂલ્યે મળતી જમીનમાં જ રસ હોય તેવું ચિત્ર પણ ઉપસ્યું છે.

જમીન મેળવનાર છ આઇ.ટી. કંપનીઓને ઉપરાંત આઇ.ટી. સિવાયના પ્રોજેક્ટ માટે જેને જમીન અપાઇ હતી તેમાંથી કોઇપણ કંપનીએ તેને મળેલા પ્લોટસ ઉપર એક ઇંટ સુધ્ધા નથી મૂકી. મૂડીરોકાણ અને રોજગારી સંબંધી થયેલી મોટી મોટી તમામ જાહેરાતોનું સુરસુરિયું થઇ ગયું છે. ૨૦૦૭માં ગાંધીનગરમાં આઇ.ટી.ઝોન ઊભો કરાયો હતો. અત્યંત મોકાની અને કરોડોની કિંમતની જમીન આઇ.ટી. સહિતના ઉધ્યાગોકારોને અને સંસ્થાને લગભગ મફતના ભાવે અપાઇ હતી.

ટાટા જેવી ભરોસાપાત્ર કંપનીએ પણ રૂ.૧૧૦૦ના ભાવે જમીન લઇ બાંધકામ નથી કર્યું. વેચાઇ ગયેલી સત્યમ કોમ્પ્યુટર્સની સાઇટ પર તો જંગલ ઊભું છે. સરકારી જીઆઇડીસીની સાઇટ પર કોઇ ઠેકાણા નથી. ડી.એલ.એફ.એ જુલાઇ-૨૦૦૯ સુધીમાં બાંધકામ પૂર્ણ કરવાનું હતું. તેણે શરૂઆત કર્યા પછી કામ બંધ કરી દીધું હતું.

આઇસીઆઇસીઆઇના ૩૬ માળના ટાવરના તો પાયા પણ ખોદાયા નથી. તેને બહુમાળી ઇમારત માટે વિશેષ મંજૂરી સરકારે આપી છે. પરંતુ બેંકના અધિકારીઓ મંજૂરીનો કાગળ લેવા સુધ્ધાં આવ્યા નથી.

શહેરમાં સેક્ટર-૬માં શોપિંગ મોલ માટે જમીન મેળવ્યા પછી રિલાયન્સે કોઇ કારણે જમીન પરત આપી દઇને નાણાં પાછાં લઇ લીધાં હતાં. અક્ષરધામ પાસે પાર્કિંગ માટે સેક્ટર-૩૦માં જગ્યા ફાળવાઇ છે ત્યાં હજુ સુધી કામ પૂર્ણ થયું નથી.

મુખ્યમંત્રીની હાજરીમાં જેની જાહેરાત કરાઇ હતી તે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાને ૫૦ એકર જમીન મફત આપી હોવા છતાં સંસ્થાએ પ્રોજેક્ટ આગળ ધપાવ્યો નથી.
---------------------------------------------------------------------------------------------------------------




ચાર વેદોનું ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રકાશિત કરવાની ભગીરથ કામગીરી રોજડ સ્થિત વાનપ્રસ્થ સાધક આશ્રમ દ્વારા હાથ ધરાઇ છે. તે અંતર્ગત ઋગ્વેદના પ્રથમ ભાગનું ગુજરાતીમાં પ્રકાશન કરાયું છે. તેનું લોકાર્પણ આચાર્ય જ્ઞાનશ્વેરજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ કર્યું હતું અને કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ઇશ્વરીય જ્ઞાનનું અથથી ઇતિ એટલે વેદ છે.

મુખ્યમંત્રીએ ઋગ્વેદની લોકાર્પણ કરતા કહ્યું કે, આ બહુ મહત્વનું કાર્ય છે. આજના ભૌતિકવાદની ભૂલોને કારણે વિશ્વ પર્યાવરણ અને સંસ્કૃતિની અવદશા અંગેના ઉપાય આપણા વેદોમાં ઉપલબ્ધ છે. આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તથા આર્યજગતના દાર્શનિક જ્ઞાનેશ્વરજીને વેદોનું ગુજરાતીમાં પ્રકાશન કરવા બદલ નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા હતાં.

આચાર્ય જ્ઞાનેશ્વરજીએ કહ્યું હતું કે, વિશ્વના ૨૫ દેશોમાં આ ગ્રંથો પહોંચાડાશે. ઉપરાંત ગુજરાતમાં વિશેષ રાજનેતાઓ, ઉચ્ચ પદાધિકારીઓ, પ્રસિદ્ધ ધાર્મિક સંસ્થાનો અને વિશેષ સામાજિક કાર્યકર્તાઓને પ્રચારકે નિ:શુલ્ક આ ગ્રંથો અપાશે.----------------------------------------------------------------------------------------------------------------